ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી એક વખત સુરત વિચરણ ખાતે પધાર્યા. સભા પૂર્ણ થયા બાદ એક કિશોરમુક્ત દર્શને આવ્યા. ગુરુજીને તેઓની આર્થિક દુર્બળતા અંગે ખ્યાલ હતો તેથી ગુરુજીએ પૂછ્યું, “ભાઈ, કેવું ચાલે છે ? સુખી તો છો ને ?”

“દયાળુ, શું કહું આપને? મને તો એવું થાય છે કે મારા જેવો સુખી કોઈ નહિ હોય.” કિશોરે જવાબ આપ્યો.

“કેમ! કાંઈ ખબર ન પડી ?” ગુરુજીએ અજાણતા પૂછ્યું.

ત્યારે કિશોરે કહ્યું, “દયાળુ, પહેલાં મારી આર્થિક દુર્બળતાને લીધે બહુ દુઃખી રહેતો પણ એક વાર સ્વામિનારાયણ ધામ સમૈયામાં આવવાનું થયું. ત્યારે આપે જાણે મને જ નિશાન બનાવી સકારાત્મક સમજણની વાતો કરી ખૂબ બળ આપ્યું. બસ, ત્યારથી હું સુખી સુખી થઈ ગયો. મારા ઘરથી હીરાનું કારખાનું 2-3 કિલોમીટર દૂર છે. હું રોજ ચાલતો જઉં છું ત્યારે વિચાર કરું કે, મારા ઘરે પણ 2-3 ગાડી પડી છે પણ તંદુરસ્ત રહેવા હું વૉકિંગ કરું છું. મારું બધું જ કામ હું તંદુરસ્ત રહેવા જાતે કરું છું. વળી, અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન અને આપ મળ્યા. આપ મારી ખરી મૂડી છો. આવી અલૌકિક મૂડી પામીને હું ધન્ય થઈ ગયો. એટલે દયાળુ, હવે મને કોઈ લખપતિને જોઈને હરખ-શોક થતો નથી. બસ, મહારાજ ને આપ મળ્યાના અહોનિશ આનંદમાં રહું છું.”

આમ, ગુરુજીની સમજણ સુધાવાણીએ આવા અનેક કિશોરોના જીવન સમજણથી સુખી કર્યાં છે.