ગુરુજીના બે જ શબ્દોએ વૃત્તિ બદલાઈ
અમદાવાદના એક સેન્ટરના એક મોટેરા હરિભક્ત ટૂંક સમયના સત્સંગમાં જ સંસ્થા સાથે અતિ નિકટતાથી જોડાઈ ગયા. તેઓને ઘરધણીપણાથી સેવા કરતા જોઈ પૂ. સંતોએ તે હરિભક્તને સાચવવાનું ઓછું કરી દીધું.
હરિભક્તને આ વાતથી ખોટું લાગી ગયું તેથી સત્સંગમાં આવતા બંધ થઈ ગયા. પૂ. સંતોને આ વાતની જાણ થતાં તેઓની માફી માંગી પણ હરિભક્ત મંદિરમાં આવે નહીં.
આ વાત ગુરુજીના ધ્યાનમાં આવી. તેઓએ આ હરિભક્તને બોલાવી કહ્યું, “દયાળુ, આપણે સત્સંગમાં માન વધારવા આવ્યા છીએ કે ઘટાડવા ?”
ગુરુજીના આ એક વચનથી જ હરિભક્તની વૃત્તિ બદલાવવા લાગી અને પોતાની ભૂલ ઓળખાવવા લાગી. તરત ક્ષોભ સાથે હરિભક્તે કહ્યું, “દયાળુ, માન ઘટાડવા...”
ત્યારે ગુરુજી સ્વામીશ્રીએ કહ્યું, “તો આ સંતો તમારું માન ઘટાડવામાં તમને મદદરૂપ થાય છે. વળી તમને ઘરધણી જાણી તમારા કોરથી ચિંતામુક્ત થયા છે તો તમારે તેઓનો આભાર માનવો જોઈએ.”
“હા દયાળુ, આપે સાચું જ કહ્યું. મને માફ કરો. આવી બાબતનો હવેથી આપને ભીડો નહિ આવવા દઉં.”
ગુરુજીના આ નાના છતાં વાસ્તવિક ઉપદેશથી હરિભક્તનું હૈયું વીંધાઈ ગયું અને સત્સંગમાં પાછા વળી ગયા.