એક ટકોર કરું?
તા. 1-2-2015 અને મધ્યાહ્ન સમય.
AYP શિબિરમાં પૂ. વડીલ સંતો લાભ આપી રહ્યા હતા. પાછળ બેઠેલા બે યુવકો કંઈક વાતચીત કરી રહ્યા હતા. પાછળથી બંને યુવક મુક્તોના મસ્તક પર કોઈકે હસ્ત ફેરવ્યો.
આશ્ચર્યવત્ બંને યુવકોએ પાછળ ફરીને જોયું તો વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી.
“અરે દયાળુ આપ...” એમ કહી બંને યુવકો ઊભા થઈ ગયા.
“દયાળુ, આપને એક ટકોર કરું ?” ગુરુજીએ વિનય વચને કહ્યું.
“હા મહારાજ, આપને આવું પૂછવાનું ન હોય ! અમે તો આપના સેવક છીએ. આપને જ્યારે, જે કહેવું હોય તે નિધડકપણે કહેવાનું જ હોય ને !” એક યુવકે કહ્યું.
“અત્યારે મોટેરા સંતો લાભ આપી રહ્યા છે. એ દરમ્યાન આપણે વાતો કરીએ તે શું યોગ્ય કહેવાય ? અમે સભા કરતા હોય તો તમે વાતો કરો ? તો સંતો દ્વારા મહારાજ જ લાભ આપી રહ્યા છે. મહારાજની સભામાં વાતો કરીએ તો મહારાજનું અપમાન જ કહેવાય ને ....! ભલે, હવેથી ધ્યાન રાખજો.”
આટલું કહી ગુરુજી સ્ટેજ તરફ પધારી ગયા.