પૂજન કરતા આજ્ઞા અધિક
એક વખત શ્રીહરિ વડતાલ જ્ઞાનબાગમાં હિંડોળે બિરાજ્યા હતા. સર્વે સંતો-હરિભક્તો હિંડોળાનાં કીર્તનગાન કરતાં શ્રીહરિને ઝુલાવી રહ્યા હતા.
વાતાવરણની દિવ્યતામાં સદ્. રામદાસસ્વામીને શ્રીહરિના પૂજન-અર્ચનની ભાવના થઈ તેથી તેઓએ શ્રીહરિને પ્રાર્થના કરી, “દયાળુ, આપની આજ્ઞા હોય તો અમ સૌ સંતો આપનું પૂજન કરીએ ?”
શ્રીહરિ આ સાંભળી રહ્યા. થોડી વારે તેઓએ કહ્યું, “સંતોએ અમારું પૂજન પત્ર, પુષ્પ, જળ અને માગ્યા વગર મળેલા સાત્ત્વિક પદાર્થોથી કરવું પણ હરિભક્તો જેવાં ભારે વસ્ત્રો, અલંકારો કે મેવા-મીઠાઈથી પૂજન કરવાનો ભાવ રાખવો નહીં. જો એવો ભાવ રહે તો હરિભક્તો જોડે માગવું પડે; તો સંતોને નિર્લોભી વર્તમાન ભંગ થાય. અમારા પૂજન કરતાં અમારી આજ્ઞા અધિક છે.”
ત્યારે સદ્. રામદાસસ્વામીએ હાથ જોડી કહ્યું, “મહારાજ ! કેસર-ચંદન વગેરે અમને આપની કૃપાથી હરિભક્તો પાસેથી સહેજે મળી ગયા છે, અમે માગ્યા નથી.”
શ્રીહરિ આ સાંભળી પ્રસન્ન થયા અને સંતોને પૂજન કરવાની આજ્ઞા આપી. આ રીતે શ્રીહરિ પ્રસંગોપાત્ત સંતોને પંચવર્તમાનની દૃઢતા કરાવતા.