વર્ષો પહેલાં ગુરુદેવ પ.પૂ. બાપજી અને વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સંસ્થાની જૂની ગાડી જીપમાં બેસી પંચમહાલ ગોધર ખાતે વિચરણમાં પધાર્યા હતા.

રસ્તામાં બાલાસિનોર પછી લુણાવાડા જતાં ત્રણ રસ્તા આવે છે ત્યાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ ડ્રાઇવરને ત્રણ રસ્તા આગળ ગાડી ઊભી રાખવા કહ્યું.

ત્યાં બે નાનાં બાળકો ઊભાં હતાં. તે બંને ભાઈઓ હતા. એકની ઉંમર આશરે દસ વર્ષની અને બીજાની ઉંમર બાર વર્ષની હશે.

ગુરુદેવ પ.પૂ. બાપજીએ મોટા બાળકને પૂછ્યું કે, “લુણાવાડા જવાનો રસ્તો કયો ?” 

ત્યારે તે બાળકે આંગળીનો ઇશારો કરી કહ્યું કે, “આ રસ્તે ચાલ્યા જાવ... એ રસ્તો લુણાવાડા તરફનો છે.”

પછી ગુરુદેવ પ.પૂ. બાપજીએ નાના બાળકને ફરી લુણાવાડાનો રસ્તો પૂછ્યો. ત્યારે તે બાળકે પણ તે જ રસ્તો બતાવ્યો.

પછી ગુરુદેવ પ.પૂ. બાપજીએ ડ્રાઇવરને તે રસ્તે ગાડી લેવા કહ્યું.

થોડી વાર પછી વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુદેવ પ.પૂ. બાપજીને પૂછ્યું કે, “બાપજી, આપણે દર વખતે આ જ રસ્તે ગોધર જઈએ છીએ અને આપને તથા ડ્રાઇવરને તો આ રસ્તાની ખબર જ હતી તો પછી આ બાળકોને રસ્તો પૂછવાનો શો હેતુ ? એમાંય એક નહિ પણ બંનેને કેમ પૂછ્યું ? આપની આ દિવ્ય લીલામાં કાંઈ સમજાયું નહીં.”

ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી બોલ્યા કે, “આજે અમારે એ બંને બાળકોનું પૂરું કરવું હતું. તેથી અમે બંનેને રસ્તો પૂછ્યો. જો એકને જ પૂછીએ તો એકનું જ પૂરું થાય. બીજાનું અધૂરું રહે. માટે અમે બંનેની રસ્તો બતાવવાની અલ્પ સેવા લઈને તેમને મૂર્તિના સુખના આશીર્વાદ આપી દીધા.

તેમણે અમને આ લોકનો રસ્તો બતાવ્યો તો અમે તેમને ઠેઠ મૂર્તિના સુખનો રસ્તો બતાવી દીધો.

આહાહાહા... ગુરુદેવ કેવી દયાની મૂર્તિ ! રસ્તો બતાવ્યો એમા તો ઠેઠ પહોંચાડી દીધો.